એના એ જ સંબંધો ......... બદલાતાં સંબોધનો. – ડો.નિમિત ઓઝા
પહેલાં ઘર માં ‘દાદા’ રહેતા. હજુ પણ ઘણાં ઘરો માં ‘દાદા’ જ રહે છે. પરંતુ કેટલાક ઘરો માં ‘દાદા’ નું સ્થાન ‘grandpa’ એ લીધું છે. આ ‘grandpa’ ને આપણા ‘દાદા’ એ સ્વિકારી લીધાં છે. ‘દાદા’ ને ‘grandpa’ ની ઈર્ષા નથી થતી. ‘દાદા’ ને એમ કે એમને ‘grandpa’ કહેવા થી એમનો Grandeur વધી જતો હશે.
એવી જ રીતે હવે ‘બા’ કે ‘દાદીમાં’ એ ......... એમને સંબોધીને ઉચ્ચારતા .... ‘grandma’, ‘cutie’, ‘sexy’ જેવા શબ્દો સ્વિકારી લીધાં છે. કદાચ,,, એ સંબોધનો ની નહિ પણ દાદી ની મહાનતા છે.
‘પપ્પા’, ‘બાપુજી’ કે ‘પિતાજી’ હવે મીણબતી ની જેમ ઓગળતા જાય છે. હવે ‘dad’ કે ‘daddy’ કે ‘dedda’ એ જન્મ લીધો છે. જ્યાર થી ‘DAD’ એ જન્મ લીધો છે ત્યાર થી ‘પપ્પા’ લગભગ ‘dead’ થઇ ગયા છે. પપ્પા એ પણ ‘not so bad’ કરી ને પોતાનું મન મનાવી લીધું છે. ‘daddy’ કદાચ ખુશ હશે પણ ‘પપ્પા’ તો આજે પણ ‘sad’ જ છે. dad કે daddy પછી ની નવી પેઢી ..... ‘ pops’ કે ‘પા’ આવી. અને ‘પપ્પા’ નામ નો શબ્દ જે already અધમુઓ અને અડધો બની ચુક્યો હતો એ શબ્દ પણ હવે ફક્ત ‘પા’ ભાગ જ બાકી રહ્યો. આપણ ને પ્રેમ કરે છે એટલે પપ્પા એ આ ‘પા’ શબ્દ ને પણ સ્વિકારી ને એને ‘પા...વન’ કરી દીધો. મિત્ર ને તો ગમે તે નામ થી બોલાવો તો ચાલે એવું પપ્પા એ માની લીધું.
હવે વારો મમ્મી નો આવ્યો. આમ પણ ..... she is always taken for granted. એમને તો કોઈ પણ નામે થી બોલાવી શકાય એવું માની ને આપણે .... ‘મમ્મી’, ‘માં’ ... માં થી બહાર નીકળી ને ‘mumma’ કે ‘mom’ માં પછડાયા. અને આ ‘મમ્મી’ પણ એક મોમ (મીણ) ની જેમ ઓગળવા લાગ્યા. કેટલાક બુદ્ધિશાળીજીવીઓ diplomatic બની ‘mother’ કહેવા લાગ્યા. એ એમની પાસે રહેલું એક ‘other’ option હતું. પણ મમ્મી એ આ ‘mother નાં other option’ ને અધ્ધર રાખવાને બદલે પોતાના હૃદય માં સ્થાન આપ્યું. ફરીવાર કહું છું હો ..... એમ ન માનતા કે આ અંગ્રેજી શબ્દ માં એટલી તાકાત છે . ફક્ત આ એક ‘માં’ ની મહાનતા છે.
‘ભાઈ’ હવે ફક્ત રક્ષાબંધન ના દિવસે જ બહાર આવે છે. આખું વર્ષ હવે તો ‘Big brother’ , ‘little brother’ કે આજકાલ તો ફક્ત ‘BRO’ .... સતત આપણી ‘EYEBROW’ ઉપર લટકે છે. ‘BRO’ ના ‘THROW’ જીલવા મને તો આકરા લાગે છે. એવું નથી કે અંગ્રેજી પ્રત્યે વ્હાલ નથી પણ અંકિત ત્રિવેદી કહે છે એમ હું પણ હવે એવું માનવા લાગ્યો છું કે ‘ આપણું ઘર ગુજરાતી ભાષા થી શિક્ષિત અને અંગ્રેજી ભાષા થી દીક્ષિત હોવું જોઈએ’. ( જેઓ અંકિત ત્રિવેદી ને ઓળખતાં નથી તેમને ...... ગુજરાતી ભાષા જુવાની માં પ્રવેશ્યા પછી કેવી લાગે તેની ખબર જ નથી)
‘બહેન’ હવે ફક્ત પાડોશીઓ ને ‘કોકીલાબેન’ કે ‘લીલાબેન’ તરીકે સંબોધવામાં જ વપરાય છે. ‘બહેન’ શબ્દ નો પ્રયોગ આજ કાલ એક ‘ભાઈ’ કરતાં .... કામવાળીઓ અને શાકવાળાઓ વધારે કરે છે. ‘SISTER’ જેવા ‘SISTER’ પણ આજ કાલ ‘શિષ્ટર’ બનતાં જાય છે. ‘બહેન’ શબ્દ પચાવી નથી શક્યા અને કોઈ તીખું મરચું ખાઈ લીધું હોય એમ હવે મોઢા માં થી ફક્ત ‘SIS’ નીકળે છે. આ ‘SIS’ ના સિસકારા ઘણી વાર FACEBOOK કે પછી SMS માં સંભળાય છે. ‘દી’ કદાચ આદિમાનવ થી ચાલ્યું આવે છે એટલે ‘દીદી’એ ‘દી’ ને ઉમળકાભેર સ્વિકારી લીધું છે.
હવે એક એવું સંબોધન જે ફક્ત પુસ્તકો કે ગુજરાતી શબ્દકોશ માં જ હવે જોવા મળે છે. એવો અગત્ય નો શબ્દ જે હવે લુપ્ત થવા આવ્યો છે. એક એવું સંબોધન જેનો ફક્ત હવે ‘કવિ મિત્રો’ જ આનંદ લઇ શકે છે એ છે ......... ‘મિત્ર’. મને સાવ સાચ્ચું કહેજો ....’ છેલ્લે તમે ‘મિત્ર’ ક્યારે બોલેલા?’ તમે ગુજરાતી સમજી શકો છો એટલે તમને પુછું છું .... ( ગુજરાતી છો એવું હું ચોક્કસ પણે કહી ન શકું).
‘friend’, ‘buddy’, અને ‘buddy’ ની ચડ્ડી ની જેમ હવે ‘મિત્ર’ શબ્દ પણ ‘નાનો’ થતો જાય છે. ‘મિત્ર’ બોલવા માં આપણને નાનપ તો અનુભવાતી નથી ને ? જો એવું હોય તો તમે એક ગુજરાતી છો એ વાત અંગત જ રાખજો. હવે દરેક પળ આપણી સાથે ‘મિત્ર’ નહિ પણ એક ‘pal’ હોય છે. આજ કાલ કેટલાક મિત્રો પ્રેમ થી ‘મિત્ર’ ને ....’પાર્ટી’ કહી ને પણ બોલાવે છે. પણ આ ‘પાર્ટી’ શબ્દ તો સાવ જ ‘third party’ લાગે છે. હશે ભાઈ હશે ! જેવો જેનો મિત્ર. આપણે શું ?
પણ તમે માનો કે ન માનો ‘મિત્ર’ હવે એક ‘પવિત્ર’ શબ્દ બની ....એક ‘ચિત્ર’ ની માફક દીવાનખાના માં ટીંગાય છે.
‘મજા માં’ જેવો સરસ શબ્દ પણ હવે મજા માં રહ્યો નથી. એનું સ્થાન હવે ‘f9’ કે પછી ‘5n’ એ લીધું છે.
‘મહાન’ શબ્દ ના copyrights હવે ....... GR8 (great) પાસે આવી ચુક્યા છે.
‘પતિદેવ’ કે ‘પતિ’ .... હવે ક્યારેક KBC ના EPISODE માં સાંભળવા મળે છે. ઘણાં ઘરો માં ‘પતિઓ’ હવે ‘hubby’ નામ ની ડબ્બી માં પૂરાઈ ચુક્યા છે. hubby બોલવામાં તો cute લાગે છે પણ ગુજરાતી ભાષા ને થોડું shabby લાગે છે. બિચારો chubby chubby એવો hubby પણ આજ કાલ , કશું જ બોલતો નથી.
‘ઘરવાળાં’ કે ‘પત્ની’ હવે ........ ‘wife’ કે ‘મિસેજ’ કે ‘MRS’ બની ગઈ છે. કોઈ સારી જગ્યા એ લોકો ‘better half’ જેવો શબ્દ પણ વાપરી લે છે. આપણે તો સંબંધો નું કામ ને ...... સંબોધનો સાથે શું ?
રૂમાલ હવે ફક્ત કવિઓ ની કવિતાઓ માં અને કવિઓ ના ગજવા માં જોવા મળે છે. બાકી લગભગ બધે, રૂમાલે છાપા માં જાહેરાત આપી પોતાનું નામ ‘રૂમાલ શંકર મહેતા’ માં થી ‘ MR. HANDKERCHIEF’ કરી નાખ્યું છે. કેટલાક લોકો તેને પ્રેમ થી ‘HANKY’ કહી ને બોલાવે છે.
‘હા’ જેવો સરસ ..... vocal cords ને હલાવી નાંખતો શબ્દ પણ હવે replace થઇ ચુક્યો છે......yes, yep, yup and yeah.
‘ના’ બોલવું હવે પહેલાં જેટલું સરળ નથી રહ્યું ... હવે no, nope, no ways.....લાંબુ બોલવું પડે છે.
સુપ્રભાત હવે gm અને શુભરાત્રી હવે gn બની ચૂકયા છે. દિવસ રાત પોતે પોતાના માં જ વ્યસ્ત હોય ... તો એમને બિચારા ને શું ફેર પડે ?
‘કેમ છો ?’ ........... જેના દ્વારા આખા વિશ્વ માં ગુજરાતીઓ ની ઓળખાણ થાય છે. જેઓ ગુજરાતી નથી તેઓ પણ ‘કેમ છો?’ તો બોલી જ શકે છે. અને આપણે હવે ‘કેમ છો , કેમ નહિ’ પૂછ્યા વગર ......
hi, hi there, wats up, hows u, hows everything ......... માં ડૂબતા જઈએ છીએ.
બધાં જ સંબોધનો બદલાશે પણ ફક્ત એક ‘દીકરો’ અને ‘દિકરી’ એમનાં એમ છે. ‘son’ અને ‘daughter’ કહેવડાવવું ......સંતાનો ને ગમે છે ( કેટલાક વાલીઓ ને પણ ) એટલે તેઓ ઘર માં આવ્યા છે.
હવે તમે કેહ્શો ...... ‘નિમિત ભાઈ’ જેને જેમ કહેવું હોય તેમ કહે ? તમારે શું ? જમાના પ્રમાણે બદલાવું પડે ભાઈ ! પ્રગતિ કરવી હોય તો પરિવર્તન જરૂરી છે.
જેને જેમ સંબોધવું હોય તેમ સંબોધે ..... મને કશો જ વાંધો નથી. પણ ..... મારી ‘માં’, મારી ગુજરાતી ભાષા કશું જ બોલતી નથી એનો અર્થ એમ તો નહિ જ ને કે એને માઠું નહિ લાગતું હોય. યાર, અંતે તો એ એક ‘માં’ જ છે ને . બધું સહન કરશે .....છતાં કોઈ ને કશું જ નહિ કહે , ને છતાં તેના સંતાનો ને વ્હાલ કરશે.
આટલું બધું તમે વાંચી ચુક્યા છો એટલે હવે હું એવું માની લઉં છું કે ગુજરાતી તમારી પણ ‘માં’ છે. સાથે મળી ને ગુજરાતી નો આદર થોડો વધારીએ.
આપણે બધાં ગુજરાતી માં એક એક દીવો કરીશું ને .............તો પણ આપણી ભાષા વધારે ઉજળી થશે.
બાકી , ગુજરાતી તો આપણી ‘મમ્મી’ છે. એ વધારે સમય આપણા થી ‘રીસાઈ’ નહિ શકે. એ તો માની જ જશે. હવે તમે ય માની જાવ ને ! -ડો.નિમિત
( તા.ક. : જ્યાં સુધી માણસ ને સંબંધો જન્મે છે ત્યાં સુધી જ આ નામ રાખવાની ચિંતા છે. બાકી સંબંધો જ જન્મશે નહિ ...... ત્યારે નામ શેના રાખીશું ? )